History

રામપુરા ગામ

                         પૂર્ણ સલીલા પર્ણાશા-નાસ નદીથી ૧૦ કિ.મી.ના અંતરે બનાસકાંઠાની ઔધોગિક નગરી ડીસા પાસે ડીસા-થરાદ હાઇવે પર અત્યંત ફળદ્રુપ જમીન તથા ઉત્તમ ભૂગર્ભજળ ધરાવતું રામપુરા ગામ વસેલું છે. રામપુરા ગામ લગભગ ૩૫૦ વર્ષની ઐતિહાસિક પૃષ્ઠભુમી ધરાવે છે.રામપુરા ગામની સ્થાપના શિવ સાક્ષાત્કારી સંત શ્રી પૂ. શ્રી રામપુરીજીએ વિક્રમ સંવત ૧૭૩૦માં કરી. રામપુરા ગામમાં આવેલા ઓગડનાથજીનો મઠ અનેક સંત મહાત્માઓ-મહંતશ્રીઓની તપોભૂમિ છે. પાલનપુરના તત્કાલીન નવાબ શેરખાન દ્વારા પૂ. ગોપાલપૂરીજીને આ ગામની જાગીર મળી હતી. પૂ. સરદારપુરીજી તેમજ પૂ. ડુંગરપુરીજી જેવા મહાન સંતો આ ગામના રાજવી રહી ચુક્યા છે. જયારે  વંદનીય પૂ. કૈલાસપુરીજી મહારાજની કર્મભૂમિ પણ રામપુરા ગામ છે.

ઓગડનાથજીનો મઠ- રામપુરા

                          રામપુરા મઠ અને ગામની સ્થાપના વિક્રમ સંવત ૧૭૩૦માં પૂ. રામપુરીજી મહારાજ એ કરી હતી.

                          એક કથા પ્રમાણે શેરખાન નામે એક ઇસ્લામીપંથી યુવાન બહારવટું કરતો હતો. તેની મુલ્યવાન ઘોડી મરતા તે પૂજ્ય ગોપાલપુરીજી પાસે આવ્યો. પૂ. મહાત્માએ તેને જોતા જ પાલનપુર નવાબ તરીકે સંબોધન કર્યું. ચમત્કારી સંતના આર્શીવાદ શેરખાનને પાલનપુરનું નવાબ પદ મળ્યું.

                         પાલનપુરનું રાજ્ય મળ્યા પછી શેરખાન પૂ. મહાત્માના આર્શીવાદ લેવા આવ્યો. તે સમયે બારગામની જાગીર પૂ. ગોપાળપુરીજીને અર્પણ કરી. સિદ્ધસંત ગૌભક્ત ગોપાળપુરીજી એ ડીસા પાસે આવેલ રાજપુર મઠની સ્થાપના કરી. સિધ્ધસંત ગોપાળપુરીજીના ગુરુભાઈ પૂ. સંધ્યાપુરીજી મહારાજ પણ ગાયોની સેવા કરતા હતા. તેઓ ડીસા તાલુકાની મોટા કાપરા ગામ પાસેની વનભૂમિમાં વિહાર કરતા હતા. આજે પણ પૂ. સંધ્યાપુરીજી તથા તેમની મઢી ગાયની સમાધિ કાપરા ગામે વિધમાન છે.

                         પૂ. સંધ્યાપુરીજીના શિષ્ય રામપુરીજી મહારાજ શિવાવતાર ઓગડનાથજીના ઉપાસક હતા. પોતાની યોગશક્તિ વડે તેઓ હમેશા ઓગડજીની થળી જે વર્તમાન દિયોદર તાલુકામાં આવેલી છે. ત્યાં દર્શને જતાં તેમને ઓગડજીએ સાક્ષાત દર્શન આપ્યા અને પાદુકાઓ આપી. ઓગડજીના આદેશાનુસાર વર્તમાન ગોઢાં ગામ પાસે રામપુરીજીએ ઓગડજીના પગલા સ્થાપના કરી.

                     આ મહાન સંત પૂ. રામપુરીજીએ વિક્રમસંવત ૧૭૩૦માં રામપુરા ગામ અને રામપુરા મઠની સ્થાપના કરી. સ્વયં રામપુરા મઠના પ્રથમ ગાદીપતિ બન્યાં.

                     રામપુરા મઠને રામપુરા તથા ગોઢાં ગામની જાગીર મળેલી હતી. સમયાંતરે થરાદ રાજવી પરિવારના કુવારીબા તરફથી રામપુરા મઠને આસોદરા ગામની જાગીરભેટમાં મળી હતી. પૂ. ડુંગરપુરીજી મહારાજના સમયમાં કારભારી પૂ. ધનપુરીજીએ મઠના મકાનનું નિર્માણ કર્યું. દસમાં મહંત પૂ. કૈલાસપુરીજીએ રામપુરા ગામમાં કૈલાસપુરીજી ડુંગરપુરીજી આદર્શ હાઇસ્કુલ ની સ્થાપના કરી અને લોકહિતના અનેક કાર્યો કર્યા.

                       રામપુરા મઠમાં તા:૨/૬/૯૭ થી ૪/૬/૯૭ દરમિયાન ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં પૂ. સચ્ચીદાનંદ મહારાજ (દંતાલી) પૂ. શાંતિનાથજી મહારાજ (જાલોર) ભારત સાધુ સમાજના પ્રમુખ ગાઝીયાબાદ (ઉ.પ્ર) ના મહંત શ્રી નારાયણગીરીજી તથા ભારત ભરના અનેક મહામંડલેશ્વરો-મહંતો સંતો મહાત્માઓ પધાર્યા હતા.

                      સાંપ્રત સમયમાં રામપુરા મઠમાં અન્નક્ષેત્ર-સદાવ્રત-સંતસેવા-ગૌ સેવાનું શ્રેષ્ઠ કાર્ય થાય છે. સમયાન્તરે રોગનિદાન કેમ્પ-રક્તદાન શિબિર જેવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન થાય છે.

મહંત શ્રી કે.ડી. આદર્શ હાઇસ્કુલ રામપુરા

                    તાલુકા મથક ડીસાથી ૧૨ કિ.મી. ના અંતરે ડીસા-થરાદ હાઇવે પર રામપુરા ગામથી થોડે દુર હાઈ-વે પર મહંતશ્રી કે.ડી.આદર્શ હાઇસ્કુલનું ભાવ્ય મકાન, વિશાળ મેદાન અને લીલાછમવ્રુક્ષો દરેકનું ધ્યાન આકર્ષે છે. આજે આ શાળા આજુબાજુના ૨૫ થી ૩૦ ગામોની વિધાપિપાસા ને છીપાવવા માટે રણમાં મીઠી વીરડી સમાન બની છે. આવો આપણે આ શાળાની વિકાસયાત્રા તરફ દષ્ટિપાત કરીએ.

                      રામપુરા ગામમાં આવેલ ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થાન રામપુરા મઠના તત્કાલીન મઠાધિપતિ પ.પૂ. કૈલાસપુરીજી મહારાજ ધાર્મિકક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રના અગ્રણી હતા. પૂ. કૈલાશપુરીજી ના મનમાં આ વિસ્તાર શિક્ષણક્ષેત્રે આગળ વધે તેવી ખેવના હતી તેને સાકાર સ્વરૂપ આપવા શ્રી નાનકરામ મેઘાણી સાહેબ(આચાર્યશ્રી આદર્શ હાઇસ્કૂલ ડીસા )ના દિશાસૂચનથી ઈ.સ.૧૯૮૨ માં શ્રી સંસ્કાર મંડળ રામપુરાની સ્થાપના થઇ. પૂ. કૈલાશપુરીજી આ મંડળના આધ પ્રમુખ બન્યા. ૨૨મી જુલાઈ ઈ.સ.૧૯૮૩ ના શુભદિનેમહંતશ્રી કૈલાશપુરીજી ડુંગરપુરીજી આદર્શ હાઇસ્કુલનો શુભારંભ ગામના શિવાલયમાં કરવામાં આવ્યો. શાળાની શરૂઆત ૧૯ વિદ્યાર્થીઓથી કરવામાં આવી.

                        શાળાના વિકાસ માટે તથા અન્ય ગામોના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ લઇ શકે તે હેતુથી સિધ્ધસંતશ્રી ગોપાળપુરીજી બક્ષીપંચ કુમાર છાત્રાલય ની સ્થાપના થઇ. ઈ.સ. ૧૯૮૬માં આચાર્ય તરીકે શ્રી એમ.એન.ઠક્કર ની નિયુક્ત થઇ. પ્રારંભમાં મંદિરની બાજુમાંજ શાળા તથા છાત્રાલયનું મકાન બનાવવામાં આવ્યું. ત્યારબાદ પૂ. કૈલાશપુરીજી મહારાજ દ્વારા શાળાના મકાનનું નિર્માણ કરવા માટે ચાર એકr જમીન દાનમાં આપવામાં આવી.

                        મકાન બાંધવા માટે રામપુર મઠ તેમજ રામપુરા આજુબાજુના ગામોના ગ્રામજનોએ આર્થિક સહયોગ આપ્યો.

                         ૧૯૯૩માં હાઇવેની બાજુમાં અધતન સુવિધાયુક્ત મકાનનું નિર્માણ થયું જેમાં રામપુરા મઠનો મહતમ આર્થિક સહયોગ રહ્યો હતો. ઈ.સ.૨૦૦૩થી મેનેજીંગ ટ્રસ્ટી પદ રામપુરા મઠના કારભારી અને રાજકીય આગેવાન શ્રી રૂપપુરીજી મહારાજ એ સંભાળ્યું વર્તમાન સમયમાં શાળાની કુલ સંખ્યા ૭૫૦ છે. ૨૦૦૧-૦૨ માં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગનો પ્રારંભ થયો. શાળાના પ્રાંગણમાંજ છાત્રાલયનું સુંદર મકાન બનાવવામાં આવ્યું છે. મહંતશ્રી કે.ડી.આદર્શ હાઇસ્કુલમાં સંસ્કારલક્ષી શિક્ષણની સાથે સાથે વિવિધ સહ અભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ૧૯૬૮ થી ૩૧/૧૦/૨૦૦૫સુધી આ શાળામાં આચાર્ય પદે રહેલશ્રી એમ.એન.ઠક્કર એ પોતાની આગવી સુઝબુઝ ખંત તથા પરિશ્રમથી શાળાની પ્રગતિમાં પોતાનું અનેરું યોગદાન આપેલ છે.

                         વર્તમાન સમયમાં રામપુરા મઠના મહંતશ્રી પૂ.રૂપપુરીજી મહારાજ શ્રી સંસ્કાર મંડળના પ્રમુખ તરીકે તેમજ રામપુરા મઠના કરાભારી સુશ્રી નિર્મલપુરીજી મેનેજીંગ ટ્રસ્ટી તરીકે શાળાને વિકાસપથ પર આગળ ધપાવી રહ્યા છે તેમના આશીર્વાદ અને માર્ગદર્શન નીચે શાળાનો ઉતરોતર વિકાસ થઇ રહ્યો છે.

                        તારીખ ૦૧/૦૬/૨૦૦૬ થી શાળાનું નેતૃત્વ યુવાન,કુશળ અને ઉત્સાહી એવા શ્રી જિતેન્દ્રકુમાર એચ.દવે સંભાળે છે. તેમના યોગ્ય માર્ગદર્શન અને શાળા કર્મચારીઓની મહેનતથી શાળા દિન-પ્રતિદિન સફળતાના શિખરો સર કરીછે. શાળાની અદ્યતન કમ્પ્યુટર લેબ ૩૫ જેટલા કમ્પ્યુટર અને મલ્ટીમિડીયા પ્રોજેકટથી સજ્જ છે. શાળા કાર્યાલયમાં વ્યવહાર મહદઅંશે કમ્પુટરાઈઝ્ડ થઇ ગયેલ છે.શાળાના ઉચ્ચતર માધ્યમિક ની વિદ્યાર્થી સંખ્યા -૨૦૦ જેટલી થવા પામી છે .શાળામાં વર્ષ ૨૦૦૭-૦૮ થી એસ.એસ.સી. પરીક્ષા કેન્દ્ર પણ શરુથયેલ છે. શાળાનું ૨૦૧૧ -૧૨ નું પરિણામ ૯૫% આવેલ છે. શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગનું પરિણામ છેલ્લા ત્રણ વર્ષથી ૧૦૦% આવેલ છે. શાળામાં ૨૨ જેટલા રૂમનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે.પ્રત્યેક વર્ગખંડમાં પુરતું ફર્નીચર તથા વિદ્યાર્થીઓ માટે પંખા ની પણ પુરતી સંખ્યા માં વ્યવસ્થા કરેલ છે. વર્ષ દરમ્યાન શાળા શૈક્ષણિક કાર્ય ની સાથે સહઅભ્યાસિક પ્રવૃતિઓથી ધમધમતી હોય છે .શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ આપી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન કરવામાં આવે છે .કન્યા કેળવણી ના પ્રચાર થી શાળામાં વિધ્યાર્થિનીઓની સંખ્યા -૨૨૫ થવા પામી છે. શાળામાં ધોરણ -૯થી૧૨ ના તમામ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર શિક્ષણ લઇ રહ્યા છે .હાલમાં અમારી શાળામાં ૮૦% જેટલા વિદ્યાર્થીઓ બક્ષીપંચ કેટેગરીના અભ્યાસ કરી રહ્યા છે.

                         આમ અમારી શાળા એક ધાર્મિક સ્થાન રામપુરા મઠ દ્વારા સંચાલિત એક ઉત્તમ શાળા છે .અહી દર વર્ષે બોર્ડના વિદ્યાર્થીઓ માટે શિક્ષકો દ્વારા શાળા સમય બાદ તથા વેકેશનમાં પણ વધારાના વર્ગો લઇ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. આ શાળામાંથી શિક્ષણ લીધા બાદ ઘણા વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ ના શિખરો સર કર્યા છે .કેટલાક વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા છે .તથા વિવિધ સરકારી નોકરીઓમાં જોડાયા છે .અનેક વિદ્યાર્થીઓ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષક બન્યા છે કેટલાક સફળ વેપારી અને ઉદ્યોગપતિ પણ બન્યા છે .

                        દીર્ઘદ્રષ્ટા અને શિક્ષણ પ્રેમી પ્રમુખ મહંતશ્રી રૂપપુરીજી મહારાજ અને શાળા ના વિકાસ માટે સતત ચિંતન કરનાર મેનેજીંગટ્રસ્ટી સુશ્રી નિર્મલપુરીજી ,મંત્રીશ્રી શાંતિભાઈ સી.ઠક્કર સંસ્કાર મંડળના સદસ્યશ્રીઓ અને શાળાનો ઉત્સાહી સ્ટાફ શાળાને જિલ્લાની એક ઉત્કૃષ્ટ શાળા બનાવવા માટે પ્રયત્નશીલ છે .